ભારતીયમૂળના ઋષિ સુનક બ્રિટનનાં વડાપ્રધાન બન્યા પછી ભારતમાં ભારે ઉત્સાહનો માહોલ છે. અમેરિકાનાં એક શહેરમાં પણ લોકો ખુશીથી ઝૂમી ઊઠ્યા છે. કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં લોકો સુનકને પોતાની વચ્ચે જોઇને ભારે ખુશી અનુભવી રહ્યા છે. શહેરનાં સાન્તા મોનિકામાં કોસ્ટા કોફી રોસ્ટર્સનાં મેનેજર નમન કાર્તિકે ભાસ્કરને જણાવ્યું હતું કે જ્યારથી સુનક બ્રિટનનાં વડાપ્રધાન બન્યા છે ત્યારથી અહીંના લોકો વચ્ચે સુનકનાં કિસ્સા જ સાંભળવા મળી રહ્યા છે.
તેઓ પોતે પણ અહીં આવનાર ગ્રાહકોને ખુશી સાથે જણાવે છે કે સુનક અને તેમનામાં બે સમાનતા રહેલી છે. પહેલી સમાનતા એ છે કે સુનક અને તેઓ પોતે ભારતીય મૂળના છે. બીજી સમાનતા એ છે કે સુનક પણ સાન ફ્રાન્સિસ્કોમાં રહી ચૂક્યા છે. હકીકતમાં સુનક એમબીએના અભ્યાસ દરમિયાન સાન ફ્રાન્સિસ્કોના સાન્તા મોનિકામાં રહેતા હતા.
અહીં એક સ્થાનિક નિવાસી કાર્લ ગ્રેવોઇસ કહે છે કે સુનક 2004માં ફુલબ્રાઇટ સ્કોલરશિપ પર અમેરિકા આવ્યા હતા. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એસોસિએટ ડીન રહી ચૂકેલા ડેરિક બોલ્ટન કહે છે કે સુનક પહેલાથી જ પ્રતિભાશાળી હતા. સુનક વડાપ્રધાન બન્યા છે તે બાબત હેરાન કરનાર નથી. સુનક સક્ષમ વ્યક્તિ છે. સુનક હંમેશાંથી હોશિયાર હતા. તેઓ આજે પણ તેમના સંપર્કમાં છે.