અમેરિકામાં ઘટતી જતી માંગને લઇને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશ્ચર્યજનક તર્ક આપીને તમામને ચોંકાવી દીધા છે. તેમનું કહેવું છે કે માંગ ઘટવા માટેનું કારણ પ્રવાસીઓની વધતી જતી સંખ્યા છે. આના કારણે અમેરિકન મૂળના લોકોમાં વપરાશ ઘટી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે એવી દલીલ પણ કરી હતી કે જો માગ વધારવી હોય અને અમેરિકાને ફરીથી મહાસત્તા બનાવવું હોય તો અમેરિકન લોકોએ વધુ બાળકો પેદા કરવા જોઈએ. હાલમાં અમેરિકાની વસતી આશરે 33.19 કરોડ છે.
આ શતાબ્દીની શરૂઆતમાં વસતી 28.22 કરોડ હતી. એટલે કે આશરે 17 ટકાનો વધારો થયો છે. બીજી બાજુ રશિયામાં પણ વસતી વધારવા માટે હાલમાં કહેવામાં આવી રહ્યું છે. રશિયાની વસતી 14.34 કરોડ છે. આ સદીની શરૂઆતમાં તેની વસતી 14.66 કરોડ હતી એટલે કે તેની વસતીમાં 2.2 ટકાનો વધારો થયો છે. વસતી વધારવા માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને કેટલીક યોજનાઓ શરૂ કરી છે. પુટિને દેશમાં 2025 સુધી અડધા ટકા સુધી જન્મદર વધારવા માટેની યોજના તૈયાર કરી છે. આના માટે મોટા પરિવારોને ટેક્સમાં છૂટછાટથી લઇને કેટલાક અન્ય લાભ પણ અપાઇ રહ્યા છે.
ટ્રમ્પ તરફથી વધારે બાળકો પેદા કરવાની વાત બાદ નિષ્ણાતો જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વાત તો એ છે કે 1946થી 1964 વચ્ચે જન્મેલા (બેબી બૂમર્સ) અમેરિકાનાં ત્રણ રાષ્ટ્રપતિઓમાં ટ્રમ્પ સામેલ છે. ટ્રમ્પ ઉપરાંત આ યાદીમાં બિલ ક્લિન્ટન અને જ્યોર્જ ડબ્લ્યુ બુશ સામેલ છે. એ દોરમાં જન્મેલા સૌથી નાની વયના રાષ્ટ્રપતિ તરીકે બરાક ઓબામા રહ્યા છે. તેમની પોતાની પેઢીના કારણે જ ટ્રમ્પ આ વિચારધારા ધરાવે છે. જ્યારે ટ્રમ્પનો જન્મ થયો હતો ત્યારે બીજા વિશ્વયુદ્ધ બાદ વસતી વધારવા માટે વધારે બાળકો પેદા કરવા પર ભાર મુકાઇ રહ્યો હતો. ટ્રમ્પની વિચારધારા એ પ્રકારની રહેલી છે.