આર્થિક રીતે પછાત માનવામાં આવતા હિન્દીભાષી રાજ્યો કોરોના બાદ આર્થિક તાકાત દર્શાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં 4 વર્ષમાં શેરમાં રોકાણ કરનારા 4 ગણા વધ્યા છે. મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો પણ ત્રણ ગણા થયા છે. એમપી, રાજસ્થાન અને બિહારમાં ટ્રેન્ડ લગભગ સમાન છે. જ્યારે ગુજરાતમાં શેરબજારના રોકાણકારોમાં 125 ટકાનો વધારો થયો છે.
એમપીમાં શેરમાં રોકાણ કરનારા 4.75 ગણા વધ્યા છે તો મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો 3 ગણા વધ્યા છે. ઘરેણાની ખરીદી પણ 55 ટકા વધી છે. શેર રોકાણકારોની સંખ્યામાં રાજસ્થાને કર્ણાટક, તમિલનાડુ, દિલ્હી અને આંધ્ર પ્રદેશને પાછળ પાડીને ચોથા સ્થાને પહોંચ્યું છે. આ ચાર વર્ષમાં બિહારમાં શેરમાં રોકાણકારો 4 ગણા તો મ્યુચ્યુઅલ ફંડના રોકાણકાર 3 ગણા અને સોનાની ખરીદી 89 ટકા વધી છે. જે અન્ય રાજ્યોની તુલનામાં સૌથી વધારે છે.
જો કે આ આંકડા ચોંકાવનારા પણ છે. કારણ કે આ રાજ્યોમાં લોકોની સરેરાશ આવક રોકાણની તુલનામાં ઓછી વધી છે. ચાર વર્ષમાં આ રાજ્યોની આવક 50થી 70 ટકા વધી છે. ડેટા થિંક ટેન્ક પ્રાઇસના રિપોર્ટ અનુસાર જે રાજ્યો પછાત છે ત્યાં જ ઝડપથી રોકાણ વધી રહ્યું છે.