એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (Amfi)એ જણાવ્યું છે કે ઇન્ડસ્ટ્રીને કોઇપણ પ્રકારના તર્ક વગર બદનામ કરવામાં આવી રહી છે. સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન આ સેગમેન્ટમાં ગ્રાહકોની સૌથી ઓછી ફરિયાદો છે. Amfiના ચીફ એક્ઝિક્યુટિવ એન.એસ વેન્કટેશે જણાવ્યું હતું કે ગ્લોબલ ફંડ્સ ટ્રેકિંગ સંસ્થા મોર્નિંગસ્ટાર 26 દેશની યાદીમાં ભારતને પહેલો ક્રમ આપે છે. ફંડ ડિસ્ક્લોઝરના મામલે પણ ભારત અન્ય દેશો કરતાં ટોચ પર છે. Amfiને રોકાણકારો તેમજ ડિસ્ટ્રીબ્યૂટર્સ તરફથી સીધી જ ફરિયાદો મળે છે તેમજ નિયામક સેબી મારફતે પણ ફરિયાદો મળે છે.
ફરિયાદોના પ્રકારમાં ખાસ કરીને નિયમિત અને ગંભીર ફરિયાદો સામેલ છે. નિયમિત ફરિયાદોમાં ડિવિડન્ડ, એકાઉન્ટ સ્ટેટમેન્ટ, કમિશન અને અન્ય રેકોર્ડ ન મળવા જેવી ફરિયાદો છે. ગંભીર ફરિયાદોમાં એપ્લિકેશન ફોર્મમાં ગેરરીતિ, માર્કેટિંગ યુનિટ્સમાં ગેરરીતિઓ, ડિસ્ટ્રીબ્યૂટર્સ દ્વારા અપાતી સેવાઓમાં કેટલીક ખામીઓ સામેલ છે. નિયમિત ફરિયાદોને મ્યુચ્યુઅલ ફંડ/ડિસ્ટ્રીબ્યૂટર્સને મોકલવામાં આવે છે અને તેનું Amfi હેઠળ નિરાકરણ લાવવામાં આવે છે. ગંભીર ફરિયાદોમાં એક ચોક્કસ સમયગાળામાં સ્પષ્ટતા માંગવામાં આવે છે. વધુમાં વધુ એક સપ્તાહ અને સેબી દ્વારા માત્ર ત્રણ દિવસમાં જ Amfi પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવે છે. ત્યારબાદ તેને એમ્ફિની એપ્લિકેશન રેફરન્સ નંબર કમિટિને સોંપવામાં આવે છે, જેમાં કેટલીક કાર્યવાહીની ભલામણ કરવામાં આવે છે, જેમ કે કમિશન સસ્પેન્ડ કરવું, ટર્મિનેશન વગેરે જેવી કાર્યવાહીઓ સામેલ છે.