રાજસ્થાન રોયલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 પ્લેઓફની રેસમાં પોતાની આશા જીવંત રાખી છે, જ્યારે પંજાબ કિંગ્સ રેસમાંથી બહાર છે. સંજુ સેમસનની કેપ્ટનશિપની રાજસ્થાન રોયલ્સે શિખર ધવનની પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું હતું.
ધર્મશાલા મેદાનમાં રાજસ્થાન રોયલ્સે ટૉસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 5 વિકેટે 187 રન બનાવ્યા હતા. રાજસ્થાને 188 રનના ટાર્ગેટને 19.4 ઓવરમાં 6 વિકેટે ચેઝ કરી લીધો હતો.
જયસ્વાલે સિઝનની પાંચમી અડધી સદી 35 બોલમાં ફટકારી
યશસ્વી જયસ્વાલે વર્તમાન સિઝનની તેની પાંચમી અડધી સદી ફટકારી હતી. તેણે 35 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. જયસ્વાલની આ આઠમી IPL ફિફ્ટી છે. તેણે 138.88ની સ્ટ્રાઈક રેટથી 36 બોલમાં 50 રન બનાવ્યા હતા.
12 રનના સ્કોર પર બટલરની વિકેટ ગુમાવ્યા બાદ યશસ્વી જયસ્વાલે દેવદત્ત પડ્ડિકલ સાથે બીજી વિકેટ માટે 49 બોલમાં 73 રનની ભાગીદારી નોંધાવી હતી. અર્શદીપ સિંહે પડ્ડિકલને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી.
રાજસ્થાન તરફથી શાનદાર શરૂઆત
188 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી રાજસ્થાનની શરૂઆત સારી રહી હતી. ટીમે પ્રથમ 6 ઓવરમાં એક વિકેટે 57 રન બનાવ્યા હતા. ઓપનર જોસ બટલર ઝીરો પર આઉટ થયો હતો. તેને કાગીસો રબાડાએ LBW આઉટ કર્યો હતો.