વર્ષ 2022 દરમિયાન સોનાની કિંમતમાં વૃદ્ધિ, વ્યાજદરમાં સતત વધારો તેમજ ફુગાવાને દબાણને કારણે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)માં રોકાણ 90 ટકા ઘટીને રૂ.459 કરોડ નોંધાયું છે. તે વર્ષ 2021ના રૂ.4,814 કરોડ તેમજ વર્ષ 2020ના રૂ.6,657 કરોડના રોકાણ કરતાં ઓછુ હતું.
એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (Amfi) અનુસાર ગોલ્ડ ઇટીએફમાં રોકાણમાં ઘટાડા છતાં ગોલ્ડ ઇટીએફની એસેટ બેઝ તેમજ રોકાણકારોના એકાઉન્ટ્સમાં વધારો જોવા મળ્યો છે.
મોર્નિંગસ્ટાર ઇન્ડિયાના સીનિયર એનાલિસ્ટ મેનેજર (રિસર્ચ) કવિતા ક્રિષ્ણને જણાવ્યું હતું કે છેલ્લા વર્ષ દરમિયાન સોનાની કિંમતમાં સતત વધારાને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં ઘટાડો થવાને કારણે અનેક રોકાણકારોએ ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવાનું ટાળ્યું હતું. તદુપરાંત વ્યાજદરમાં સતત વૃદ્ધિ તેમજ ફુગાવાના દબાણને કારણે પણ ઇટીએફમાં રોકાણને લઇને ઉદાસીનતાભર્યું વલણ જોવા મળ્યું હતું.
વર્ષ 2022 દરમિયાન અન્ય એસેટ ક્લાસમાંથી રોકાણકારોએ ખાસ કરીને ઇક્વિટીમાં રૂ.1.6 લાખ કરોડનું રોકાણ કર્યું હતું. જે ગત વર્ષ દરમિયાન રૂ.96,700 કરોડ રહ્યું હતું. તદુપરાંત રોકાણ માટે SIPનું માધ્યમ પણ રોકાણકારો વચ્ચે લોકપ્રિય બની રહ્યું છે. વૈશ્વિક સ્તરે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે જોવા મળેલી અનિશ્વિતતા તેમજ યુએસ ફેડના વલણ સહિતના કેટલાક પરિબળોને કારણે ગોલ્ડ ઇટીએફમાંથી રોકાણકારોએ રોકાણ પાછુ ખેંચ્યું હતું. સકારાત્મક રોકાણને પગલે ગોલ્ડ ફંડની AUM ડિસેમ્બર, 2022ના અંતે 16 ટકા વધીને રૂ.21,455 કરોડ નોંધાઇ છે.