નેપાળના નવા વડાપ્રધાન પુષ્પકુમાર દહલ પ્રચંડ ભારતની સાથે સંબંધોને વધુ મજબૂત કરવાના સંકેત આપી રહ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં વડાપ્રધાનનો પદભાર સંભાળી લેનાર પ્રચંડે આ વખતે નેપાળી પીએમની પ્રથમ ભારત યાત્રાની પંરપરાને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. પ્રચંડના પૂરોગામી પીએમ શેર બહાદુર દેઉબા અને કે.પી. શર્મા ઓલી વડાપ્રધાનપદને સંભાળી લીધા બાદ પરંપરાને જાળવી રાખીને પોતાની પ્રથમ વિદેશ યાત્રા પર ભારત આવ્યા હતા.
શક્યતા એવી પણ છે કે પ્રચંડ એપ્રિલના બીજા સપ્તાહમાં ભારત આવી શકે છે. આના માટે પ્રચંડે ચીન તરફથી 28મી માર્ચે હેનાનમાં આયોજિત બોઆઓ ફોરમની બેઠકથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. 2008માં જ્યારે પ્રચંડ પ્રથમ વખત નેપાળના વડાપ્રધાન બન્યા હતા ત્યારે પહેલીવાર વિદેશયાત્રા પર ભારત નહીં આવીને ચીન યાત્રા પર પહોંચ્યા હતા. એ વખતે પ્રચંડે ચીનમાં આયોજિત ઓલિમ્પિક રમતોના ઉદઘાટનમાં હાજરી આપી હતી.