હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડિઝ સામે 3-2થી T20 હારી ગઈ છે. કેરેબિયનોએ છેલ્લી અને નિર્ણાયક T20 મેચમાં ભારતીય ટીમને 8 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમ T20 ક્રિકેટમાં પ્રથમ વખત 5 મેચની સિરીઝ હારી છે. આટલું જ નહીં કેરેબિયન્સ સામે સતત 15 બાઇલેટરલ સિરીઝ જીત્યા બાદ ટીમે એક શ્રેણી ગુમાવી છે. ટીમ છેલ્લી શ્રેણી 2016માં હારી હતી.
ટૉસ જીતીને બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ ફ્લોરિડાના લોડરહિલના ક્રિકેટ ગ્રાઉન્ડમાં 20 ઓવરમાં 9 વિકેટે 165 રન બનાવ્યા હતા. જવાબમાં કેરેબિયન બેટર્સે 18 ઓવરમાં 2 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
ટૉસ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 6 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. છેલ્લી મેચમાં અડધી સદી ફટકારનાર ઓપનર યશસ્વી જયસ્વાલ 5 રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી શુભમન ગિલ પણ 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારતીય ટીમે 17 રનમાં ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી.
સતત વિકેટ ગુમાવી: ભારતીય ટીમે સતત વિકેટ ગુમાવી. પ્રથમ 2 વિકેટ માત્ર 17 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. મધ્યમ ઓવરોમાં નાની ભાગીદારી થઈ હતી, પરંતુ ભારતે અંત સુધીમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. જેના કારણે ડેથ ઓવરોમાં પણ વધુ રન બનાવી શક્યા ન હતા. ભારતની 16 ઓવરમાં 4 વિકેટ હતી જે 20 ઓવરમાં 9 થઈ ગઈ હતી.
બોલરો વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા: ભારતીય બોલરો વિકેટ લેવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. મેચમાં અર્શદીપ સિંહે એકમાત્ર વિકેટ લીધી હતી. તેણે 12ના ટીમ સ્કોર પર કાઇલ મેયર્સને આઉટ કર્યો. આ પછી નિકોલસ પૂરન અને બ્રેન્ડન કિંગ વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી.