પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત કે.ડી.પરવાડિયા હોસ્પિટલ આટકોટ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી અને દર્દી નારાયણની સેવાના ઉમદા ભાવથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો 642 દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ગંભીર બીમારીઓથી પીડિતા દર્દીઓ પણ સામે આવ્યાં હતાં.
મેનેજિંગ ટ્રસ્ટી ડો.બોઘરાએ મેડિકલ કેમ્પ યોજી દર્દીઓની સારવાર કરવા અંગેની વાત ટ્રસ્ટીઓને કરતાં તેમણે પણ હામી ભરી હતી. આ રીતે કેમ્પનું આયોજન ખૂબ જ ટૂંકા ગાળામાં કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં ઓર્થોપેડિક, ગેસ્ટ્રો સર્જરી, ઈએટી(આંખ-નાક-ગળા), એમડી જનરલ (હ્રદય વિભાગ), પીડિયાટ્રીક(બાળ વિભાગ) અને ગાયનેક સહિતના વિભાગની તપાસ નિઃશૂલ્ક કેમ્પમાં આપવામાં આવી હતી. સર્વ રોગ નિદાન કેમ્પમાં 642 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં 68 જેટલા સાંધાના દર્દીઓને ઓપરેશન કરાવવાની જરૂર જણાઈ હતી.