ગુરુવારે જાપાન આર્મીનું એક મિલિટરી હેલિકોપ્ટર ગુમ થઈ ગયું. તેમાં 10 લોકો સવાર હતા. હેલિકોપ્ટરને શોધવા માટે મોટું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર - આ હેલિકોપ્ટર ટ્રેનિંગ ડ્રિલ પર હતું. દરમિયાન, તે મિયાકો ટાપુ પરના રડારમાંથી અચાનક ગાયબ થઈ ગયું. આ વિસ્તાર તાઈવાનની ખૂબ નજીક છે અને ચીનના ફાઈટર જેટ અવારનવાર અહીં ઉડે છે.
હેલિકોપ્ટરની શોધ ચાલુ છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર - તે UH60 હેલિકોપ્ટર હતું. તેને સામાન્ય રીતે બ્લેક હોક ચોપર તરીકે ઓળખવામાં આવે છે. તે અમેરિકાથી ખરીદવામાં આવ્યું હતું. હજુ એ સ્પષ્ટ નથી થયું કે તેમાં કેટલા લોકો સવાર હતા. જો કે, કેટલાક અહેવાલો કહે છે કે તેમાં 10 લોકો હતા. 8 સૈનિકો ઉપરાંત 2 પાઇલોટ હોવાનું જણાવાયું છે. આ હેલિકોપ્ટરમાં આર્મી કમાન્ડર પણ હાજર હતા.
જાપાનના વડાપ્રધાન ફુમિયા કિશિદાએ કહ્યું- અમારી નેવી અને કોસ્ટ ગાર્ડ મિશન મોડ પર ગુમ થયેલા હેલિકોપ્ટરને શોધી રહ્યાં છે. પ્રથમ પ્રયાસ એ છે કે કોઈક રીતે હેલિકોપ્ટરના તમામ સૈનિકોને કોઈપણ કિંમતે બચાવવા. બાકીના મુદ્દાઓ પર પણ પછીથી ચર્ચા થઈ શકે છે. આ હેલિકોપ્ટરે મ્યોકોજીમા એરબેઝ પરથી ઉડાન ભરી હતી. લગભગ 13 મિનિટ પછી તેનો સંપર્ક તૂટી ગયો. થોડીવાર પછી તે રડાર પરથી ગાયબ થઈ ગયું. હાલમાં વધુ માહિતી આપી શકાય તેમ નથી.
ભારતીય સમય અનુસાર આ હેલિકોપ્ટર બપોરે લગભગ 3.10 વાગ્યે માયકો દ્વીપ પર રડારથી ગાયબ થઈ ગયું હતું. કોસ્ટ ગાર્ડ અને નેવીની ટીમ તેને શોધી રહી છે. આ વિસ્તારમાં હેલિકોપ્ટર ગુમ થવાની આ પ્રથમ ઘટના છે.