ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલી સ્થિતિને પગલે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 14 મે સુધી બંધ રાખવા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હાલ સ્થિતિ કાબૂમાં આવતા બે દિવસ પહેલાં એટલે કે 12મી મેથી જ એરપોર્ટ કાર્યરત કરી દેવાયું છે. જોકે 12 મેના રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એકપણ ફ્લાઈટ ઉતરાણ કે ઉડાન ભરી શકી ન હતી. હજુ બે દિવસ રાજકોટ એરપોર્ટથી માત્ર મુંબઈ અને દિલ્હીની જ ફ્લાઈટ ઓપરેટ થવાની હોવાનું જાણવા મળ્યું છે. જોકે સંભવત: આગામી તારીખ 15 મેથી બાકીની ફ્લાઈટ રેગ્યુલર ઉડાન ભરી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી 13 મેના ઇન્ડિગોની રાજકોટથી મુંબઈની એક ફ્લાઈટ જ ઉડાન ભરશે. જ્યારે 14 મેના ઇન્ડિગોની રાજકોટથી મુંબઈ અને રાજકોટથી દિલ્હીની 1-1 ફ્લાઈટ જ ઉડાન ભરશે. જ્યારે 15 મેથી તમામ ફ્લાઇટ રાબેતા મુજબ શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે. એર ઇન્ડિયાની 13થી 15 મે દરમિયાન મુંબઈ અને દિલ્હીની ફ્લાઇટ જ ઉડાન ભરશે તેવું જાણવા મળ્યું છે. અગાઉ રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 7થી 9 મે દરમિયાન બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ પરિસ્થિતિ વણસતા 14 મે સુધી બંધ રાખવાનું જાહેર કરાયું હતું. જોકે સ્થિતિ કાબૂમાં આવતા સોમવારથી જ એરપોર્ટ શરૂ કરી દેવાયું છે.
હાલ દેશમાં સામાન્ય પરિસ્થિતિનું નિર્માણ થતાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા પેસેન્જર ફ્લાઇટ માટે એરપોર્ટને સોમવારથી જ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. મળતી વિગતો અનુસાર ઇન્ડિગો અને એર ઇન્ડિયા દ્વારા ટૂંક સમયમાં જ ફ્લાઇટનું બુકિંગ શરૂ કરવામાં આવશે. બુકિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફ્લાઇટ સેવાઓ રાબેતા મુજબ શરૂ થઈ જશે.