આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપનું આયોજન માત્ર પાકિસ્તાનમાં જ થઈ શકે છે. ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, ટૂર્નામેન્ટની મોટાભાગની મેચો પાકિસ્તાનમાં રમાશે, પરંતુ ભારતીય ટીમની જેટલી પણ મેચીઝ હશે યુએઈ, ઓમાન અથવા શ્રીલંકામાંથી કોઈ એકમાં શિફ્ટ થઈ શકે છે.
આ વખતે એશિયા કપ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાવાનો છે. 13 દિવસ સુધી ચાલનારી 6 ટીમોની આ ટુર્નામેન્ટમાં ફાઈનલ સહિત કુલ 13 મેચો રમાશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. ક્વોલિફાય થયા બાદ એક ટીમ તેમની સાથે પહોંચશે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપમાં છે.
ભારતની મેચો ન્યુટ્રલ વેન્યુ પર યોજાશે
ભારતીય ટીમ એશિયા કપના પ્રારંભિક તબક્કામાં 2 મેચ રમશે. એક મેચ જીતવા પર ટીમ સુપર-4 સ્ટેજમાં પહોંચી જશે, જ્યાં તેને 3 મેચ રમવાની રહેશે. જો ટીમ ઈન્ડિયા પણ ફાઈનલમાં પહોંચે છે તો તે ટૂર્નામેન્ટમાં કુલ 6 મેચ રમશે. જો ભારત ફાઇનલમાં પહોંચે તો તે મેચ પણ ન્યુટ્રલ વેન્યુ પર શિફ્ટ કરવામાં આવશે.
ન્યુટ્રલ વેન્યુમાં ઈંગ્લેન્ડનું નામ પણ સામેલ છે
ન્યુટ્રલ વેન્યુમાં યુએઈ, ઓમાન અને શ્રીલંકા ઉપરાંત ઈંગ્લેન્ડનું નામ પણ સામે આવી રહ્યું છે કારણ કે ઈંગ્લેન્ડમાં ભારત-પાક મેચ જોવા મોટી સંખ્યામાં દર્શકો પહોંચે છે. જોકે, ઈંગ્લેન્ડને યજમાન અધિકાર મળવાની આશા ઓછી છે, કારણ કે એશિયા કપ અને આઈપીએલની મેચો સપ્ટેમ્બર દરમિયાન UAE અને ઓમાનમાં યોજાઈ ચૂકી છે. આવી સ્થિતિમાં એશિયાનો કોઈ દેશ જ ભારતની મેચોની યજમાની કરે તેવી અપેક્ષા છે.