પાકિસ્તાનના ખૈબર પખ્તુખ્વા પ્રાંતમાં ગુરુવારે એક પેસેન્જર વાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 50 લોકોનાં મોત અને 20 લોકો ઘાયલ થયા છે. આ ઘટના ખૈબર પખ્તુખ્વાના કુર્રમ ઘાટીમાં બની હતી. વાન પેશાવરથી કુર્રમ જઈ રહી હતી.
આ પહેલા મંગળવારે રાત્રે ખૈબર પખ્તુખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં આર્મી પોસ્ટ પર આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં 12 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. ત્યાં છ આતંકીઓ પણ માર્યા ગયા હતા.
માહિતી આપતાં પાકિસ્તાની સેનાની મીડિયા વિંગે જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ ચેકપોસ્ટની દિવાલ સાથે વાહન ઘુસાડ્યું હતું અને તેમાં રાખેલા વિસ્ફોટકને વિસ્ફોટ કર્યો હતો. વિસ્ફોટમાં 12 જવાનો શહીદ થયા હતા. જવાબી કાર્યવાહીમાં સેનાએ પણ 6 આતંકીઓને ઠાર કર્યા હતા.