પરિવારની વિરુદ્ધ જઇ પ્રેમલગ્ન કરનાર પરિણીતાને તેના માતા-પિતા સહિતનાઓએ સંતાનો સાથે ગોંધી રાખી બળજબરીથી છૂટાછેડાના કાગળોમાં સહી કરાવી ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. નવા થોરાળા મેઇન રોડ, ન્યૂ ક્રિષ્નાપાર્ક-2માં રહેતી જસ્મીન ઉર્ફે જેસ્મીન ધર્મેશ પરમાર નામની પરિણીતાએ ભોમેશ્વર વિસ્તારમાં આવેલી જાગૃતિ સોસાયટી-7માં રહેતા પિતા અલ્તાફભાઇ અલીભાઇ શેખ, માતા બિલ્કિશબેન, ભાઇ રાહિલ, માસી હમીદાબેન હનિફભાઇ મકવાણા, માસા નદીમભાઇ હનિફભાઇ મકવાણા, માસી યાસ્મિનબેન આફતાબભાઇ શેખ, માસા આફતાબભાઇ હમીદભાઇ શેખ, મામાનો દીકરો સરફરાઝ હબીબભાઇ કુરેશી અને સોહિલ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ફરિયાદ મુજબ, તેને આઠ વર્ષ પૂર્વે પરિવારજનોની વિરુદ્ધ જઇ ધર્મેશ સાથે પ્રેમલગ્ન કર્યા છે. જે અંગેની તેમને લેખિતમાં જાણ પણ કરી હતી. પ્રેમ લગ્ન બાદ સંપર્ક કે સંબંધ ન હતો. લગ્નજીવન દરમિયાન સંતાનમાં પુત્ર, પુત્રી છે. દરમિયાન તા.8-10-2022ના રોજ પતિ સાથે બોલાચાલીનું મનદુ:ખ થતા પોતે સંતાનને લઇ માતા-પિતાને ત્યાં આવી હતી.
બનાવની ઘરમાં વાત કરતા તેમને હવે તારે ત્યાં જવાનું નથી, તેની સાથે છૂટાછેડા લઇ લેવાના છે. છૂટાછેડાની ના પાડતા પરિવારજનોએ પોતાને સંતાનો સાથે રૂમમાં પૂરી દીધી હતી. પાંચ દિવસ બાદ જૂનાગઢ માસીના ઘરે લઇ ગયા હતા. જ્યાં પોતાને છૂટાછેડા માટે દબાણ કરી બંને સંતાનો તારા પતિને સોંપી દેવા અને જો તેમ નહિ કરે તો તારા પતિ અને બાળકોને મારી નાખીશુંની ધમકી આપી માર મારી બળજબરીથી છૂટાછેડાના કાગળોમાં સહીઓ કરાવી લીધી હતી. ત્યાર બાદ તા.20-10-2022ના કોર્ટમા લઇ જઇ છૂટાછેડાની કાર્યવાહી કરી હતી. ત્યાર બાદ પોતાને જૂનાગઢ તેમજ રાજકોટમાં ગોંધી રાખી હતી.