સિંગતેલ અને મગફળીમાં ડબલ ડામની નીતિ જોવા મળી રહી છે. 1 ફેબ્રુઆરીથી લઈ 15 ફેબ્રુઆરી સુધીમાં સિંગતેલમાં લોકો પર 130નું વધુ ભારણ આવ્યું છે તો ખેડૂતોને મણે રૂપિયા 143નું નુકસાન મગફળીમાં ગયું છે. સામાન્ય રીતે જ્યારે પુરવઠો ઘટે ત્યારે તેનો ભાવ ઊંચો જતો હોય છે. પરંતુ બેડી યાર્ડમાં ઝીણી મગફળીની આવક 400 ક્વિન્ટલ ઘટી તો માત્ર 77 રૂપિયા મણે ભાવ વધ્યો છે. જ્યારે જાડી મગફળીની આવક 100 ક્વિન્ટલ વધી તો ભાવમાં 143નો ઘટાડો આવ્યો છે.
ચાઈના સાથે સિંગતેલના વેપાર શરૂ થવાને કારણે સીંગદાણામાં જ મોટાભાગની મગફળી એક્સપોર્ટમાં ખપી જાય છે. જેને કારણે પિલાણમાં આવક ઓછી થાય છે. પિલાણ ઘટ્યું છે જેને કારણે તેલમાં ઉછાળો આવ્યો હોવાનું સોમાના પ્રમુખ કિશોરભાઇ વિરડિયા જણાવે છે. બુધવારે સિંગતેલનો ડબ્બો રૂપિયા 2900 નો બોલાયો હતો આમ 3000એ પહોંચવામાં માત્ર રૂપિયા 100નું જ છેટું રહ્યું છે. જ્યારે કપાસિયા તેલનો ડબ્બો 2000એ પહોંચવામાં માત્ર રૂપિયા 5નું જ છેટું રહ્યું છે.