ચીન તરફના ઝુકાવ માટે જાણીતા મુઈઝુએ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભારત અને માલદીવ્સ વચ્ચે ગયા વર્ષે સંબંધો તંગ બની ગયા હતા. પરંતુ હવે મુઈઝુ ભારત અને પીએમ મોદીનો આભાર માની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં આવેલી ખટાશ વચ્ચે મુઈઝુ કેમ કૂણા પડ્યા તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. કોઇંક તેને માલદીવ્સમાં ભારતની '28 ટાપુ'વાળી કૂટનીતિ કહે છે. તો કોઇંક કહે છે જયશંકરે માલદીવ્સમાં જઇને એક મુલાકાત કરીને ચીનના મનસૂબા પર પાણી ફરી વળ્યું!
માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુના વલણમાં અચાનક આવેલા બદલાવનું કારણ છે ત્યાં મોટું રોકાણ અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ. તાજેતરમાં જ માલદીવ્સ પહોંચેલા વિદેશ મંત્રી એસ જયશંકરે ત્યાં સૌથી મોટા જળ અને સ્વચ્છતા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતે માલદીવ્સમાં સ્વચ્છતા પ્રોજેક્ટ માટે રૂ. 920 કરોડનું રોકાણ કર્યું હતું. ભારતનો આ પ્રોજેક્ટ માલદીવ્સના 28 ટાપુઓ માટે છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ આ મોટી મદદ માટે ભારત અને પીએમ મોદીનો આભાર માન્યો છે. ભારતે આ પ્રોજેક્ટ માટે માલદીવ્સને 11 કરોડ ડોલર એટલે કે 923 કરોડ રૂપિયાની સહાય આપી છે. આ પ્રોજેક્ટ્સથી 28 ટાપુઓ ધરાવતા માલદીવ્સના 28 હજાર લોકોને સીધો ફાયદો થશે. આને માલદીવ્સમાં ભારતની રાજદ્વારી જીત તરીકે જોવામાં આવી રહ્યું છે.