ભારતમાં લિંગ ગુણોત્તર દરને જુદાં જુદાં રાજ્યોમાં સુધારવાના હેતુસર સરકારે દેશમાં જન્મ પહેલાં ગર્ભસ્થ શિશુના લિંગ પરીક્ષણ પર કાયદાકીય રીતે પ્રતિબંધ મૂક્યો છે. સાથે સાથે ગર્ભસ્થ શિશુના લિંગ પરીક્ષણને કાયદા મારફતે ગેરકાયદે જાહેર કરીને ગર્ભનું લિંગ પરીક્ષણ કરનાર સામે આકરી સજાની જોગવાઇ પણ કરી છે. પરંતુ સરકારના તમામ પ્રયાસો છતાં જન્મ પહેલાં લિંગ પરીક્ષણના કેસો સતત વધી રહ્યા છે.
કેસો અટકી રહ્યા નથી. કેન્દ્ર સરકારના એક અહેવાલથી જાણવા મળ્યું છે કે દેશનાં પાંચ રાજ્યો (હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને દિલ્હી)માં હજુ પણ ગર્ભસ્થ શિશુનું લિંગ પરીક્ષણ ગેરકાયદે થઇ રહ્યું છે. બીજી બાજુ દેશનાં 4 રાજ્યો એવાં છે જ્યાં ગેરકાયદે કરવામાં આવતા ગર્ભપાતના મામલા પણ સામે આવ્યા છે. આ બંને પ્રકારના અપરાધના કેસોમાં હરિયાણા ટોપ પર છે. દેશભરમાં ગેરકાયદે લિંગ પરીક્ષણના દેશનાં 5 રાજ્યો (હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, ગુજરાત, દિલ્હી)માં કુલ 57 કેસ સામે આવ્યા છે. જે પૈકી આશરે 58 ટકા કેસ અથવા તો 37 કેસ એકલા હરિયાણામાં સામે આવ્યા છે. બીજી બાજુ ગેરકાયદે રીતે ગર્ભપાત કરાવવાના મામલાની વાત કરવામાં આવે તો દેશનાં માત્ર 4 રાજ્યો હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં આ પ્રકારના કુલ 33 કેસ સામે આવ્યા છે. જે પૈકી એકલા હરિયાણામાં 28 કેસ નોંધાયા છે. જે કુલ કેસો પૈકી 85 ટકા કેસ છે.
હાલમાં જ કેન્દ્ર સરકારે દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં ગર્ભસ્થ શિશુના લિંગ પરીક્ષણ અને ગેરકાયદે ગર્ભપાતના સંબંધમાં એક અહેવાલ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટમાં ગર્ભસ્થ શિશુના લિંગ પરીક્ષણને રોકવા માટે બનાવવામાં આવેલા કાયદા પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક એન્ડ પ્રીવેન્શન ઓફ મિસયુઝ એક્ટ 1994 અને આ પ્રકારની તપાસ બાદ થતાં ગેરકાયદે ગર્ભપાતને રોકવા માટે બનાવવામાં આવેલા કાયદા ‘ધ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રિગ્નેન્સી એક્ટ 1971’ હેઠળ જુદાં જુદાં રાજ્યોમાં નોંધવામાં આવેલા કેસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.