ભારતે અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝની પ્રથમ મેચ 6 વિકેટે જીતી લીધી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે પોતાનો અજેય રેકોર્ડ જારી રાખ્યો છે. T20માં અફઘાનિસ્તાન સામે ભારતની આ પાંચમી જીત છે. આ જીત સાથે ભારતીય ટીમ 3 મેચની શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે. શ્રેણીની બીજી મેચ 14 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે.
ગુરુવારે મોહાલીમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 158 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 17.3 ઓવરમાં 4 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
શિવમ દુબેએ અણનમ 60 રન બનાવ્યા હતા, જ્યારે જીતેશ શર્માએ 31 રનની ઇનિંગ રમી હતી. ઓપનર શુભમન ગિલે 23 રન અને તિલક વર્માએ 26 રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં મુકેશ કુમાર અને અક્ષર પટેલે બે-બે વિકેટ ઝડપી હતી.