રાજકોટ એસીબી દ્વારા વધુ એક સફળ ટ્રેપ કરવામાં આવી છે. મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ બાદ રાજકોટના શખ્સને ધરપકડ ન કરવા તેમજ કોઈ પણ બાબતે હેરાનગતિ ન કરવાના ગુનામાં પોલીસ ઇન્સ્પેકટર દ્વારા પોતાના વહીવટદારને મોકલી સેટિંગ કરવા વાતચીત કરી હતી વાતચીતના અંતે પીઆઇ વતી વહીવટદારે રૂપિયા 10 લાખની લાંચની માંગણી કરી હતી અને આજે રેસકોર્સ સ્થિત ટી પોસ્ટ ખાતે લાંચ આપવા જતા સમયે એસીબીએ ટ્રેપ ગોઠવી વહીવટદારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા દીગંબર.એ.પાગરએ માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંઘાયેલ એક ફરિયાદ અંગે રાજકોટ ખાતે રહેતા ફરિયાદીને નિવેદન નોંઘાવવા માટે રાજકોટના સરનામે નોટીસ મોકલેલ હતી. આ પછી પીઆઇના વહીવટદાર જયમીન સાંવલિયાએ ફરિયાદીનો સંપર્ક કરી પીઆઇ દીગંબરે તમને જે નોટીસ ઇસ્યુ કરી છે તે અઘિકારી મારા ઓળખીતા છે કહી વાતચીત કરી હતી. આ પછી ફરીયાદીનો સંપર્ક કરાવતા આરોપી પીઆઇ દીગંબરે માટુંગા પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં ફરિયાદીની ધરપકડ તથા હેરાનગતી નહીં કરવા રૂપિયા 10 લાખની માંગણી કરી તે રૂપિયા આરોપી પીઆઈના વહીવટદારને આપવા જણાવેલ હતું.