કેરળમાં લગભગ બે વર્ષ પછી નહેરુ ટ્રોફી નૌકાસ્પર્ધા યોજાઇ રહી છે. તેમાં અતિથિ તરીકે કેરળની ડાબેરી સરકારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આમંત્રણ આપ્યું છે. 4 સપ્ટેમ્બરના રોજ અલાપ્પુઝા જિલ્લાના પુન્નમદા તળાવમાં આ સ્પર્ધા આયોજિત થશે. સ્પર્ધાનું નામ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નામ પર રાખવામાં આવ્યું છે ત્યારે વિપક્ષનો આરોપ છે કે નહેરુની વિરુદ્વ બોલનારાને આમંત્રિત કરીને કેરળની સરકાર ખોટું કરી રહી છે.
કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ કે. સુધાકરને CPIMના મહાસચિવ સીતારામ યેચુરીને એ સ્પષ્ટ કરવાનો આગ્રહ કર્યો છે કે શું સીપીઆઇએમના કેરળ એકમ દ્વારા સંઘના નેતાઓને મહત્ત્વ તેમના જ ઇશારે અપાઇ રહ્યું છે. સાથે જ તેમણે મુખ્યમંત્રી વિજયન પર નિશાન સાધ્યું હતું કે નહેરુના સૌથી મોટા ટીકાકાર તેમજ ઉપેક્ષા કરનારને આ સ્પર્ધામાં આમંત્રિત કરવાનો નિર્ણય વાંધાજનક છે. રાજ્ય વિધાનસભામાં વિપક્ષ નેતા વી.ડી. સતીશને મુખ્યમંત્રી વિજયનને અમિત શાહને આમંત્રણ આપવાનું કારણ સ્પષ્ટ કરવાની માંગ કરી છે.
શાહ દક્ષિણ વિસ્તારની પરિષદમાં ભાગ લેવા માટે રાજ્યમાં હાજર રહેશે. આ કારણસર તેમને આમંત્રણ અપાયું છે. રાજ્ય સરકારે શાહ ઉપરાંત તમિલનાડુ અને કર્ણાટકના મુખ્યમંત્રીઓ સહિત અન્ય દક્ષિણનાં રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ પાઠવ્યું છે. નૌકાદોડના સ્પર્ધક વિજય જણાવે છે કે આ સ્પર્ધા નિહાળવા દેશવિદેશથી પર્યટકો ઉમટે છે. સ્પર્ધામાં નાની અને મોટી હોડી હોય છે. મોટી હોડીમાં 150 અને નાનીમાં 40-50 સ્પર્ધકો સવાર હોય છે.