મોડાસા ખાતે હાલ રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે આ રાજ્યકક્ષાના ઉત્સવને સફળ બનાવવા માટે સુરક્ષાકર્મીઓ આખા ગુજરાતમાંથી મોડાસા ખાતે એકઠા થયા છે, ત્યારે એક SRP કોન્સ્ટેબલે નશામાં ધૂત થઈ સરકારી ગાડી દ્વારા બે કિશોરને અડફેટે લીધા હતા. દારુ પીને ગાડી ચલાવવા ઉપરાંત લોકો સામે પણ દાદાગીરી કરી હતી. હોસ્પિટલમાં પહોંચીને પણ કોન્સ્ટેબલે તમાશો કર્યો હતો. જવાનનાં આ દૃશ્યો જોઈને દારૂબંધીના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા હોય એવું લાગે છે.
કોન્સ્ટેબલ નશાની હાલતમાં જ હોસ્પિટલ પહોંચ્યો
મોડાસાનગરમાં એક તરફ પોલીસ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન ચાલી રહ્યું હતું. એવામાં મૂળેટી એસઆરપી કેમ્પસમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલે મોડાસા કલેક્ટર કચેરી પાસે આવેલા સીએનજી પમ્પ પાસે બે કિશોરને અડફેટે લીધા હતા. બંને કિશોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયા હતા અને કોન્સ્ટેબલ પણ નશાની હાલતમાં જ સાર્વજનિક હોસ્પિટલ પહોંચ્યો હતો. આમ તો સામાન્ય રીતે લઠ્ઠાકાંડ પછી દારૂ બંધ થયો હોવાના દાવા થઈ રહ્યા છે, ત્યારે બહારના જિલ્લામાંથી આવેલા પોલીસકર્મીને ક્યાંથી દારૂ મળ્યો એ એક પ્રશ્ન છે.
ગાડીની લાઈટ બંધ હોવાથી અકસ્માત થયો- પોલીસ-કોન્સ્ટેબલ
હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા બાદ પણ કોન્સ્ટેબલે હોબાળો મચાવ્યો હતો. દારૂના ફુલ નશામાં તેણે દરેક લોકો જોડે ગેરવર્તણૂક કરી હતી. કારણ પૂછતાં નશામાં ચૂર થઈને તેણે કહ્યું હતું કે લાઈટ બંધ હતી ગાડીની, એટલે અકસ્માત થયો. દારૂ અંગે પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે તમને કોણે કહ્યું કે મેં દારૂ પીધો છે? પછી ઉશ્કેરાઈને બૂમો પાડવા લાગ્યો હતો.