ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની અસર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ઉપર પણ પડી છે. આ વર્ષે બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાના આશરે 20થી 25 દિવસમાં જ પરિણામ પણ જાહેર કરી દેવામાં આવનાર હોવાનું બોર્ડના અધિકારીઓએ જણાવ્યું છે ત્યારે વહેલું પરિણામ જાહેર કરવા માટે આશરે 75 હજાર જેટલા શિક્ષકએ અંદાજિત 80 લાખથી વધુ ધોરણ 10 અને 12ની ઉત્તરવહી ચકાસણીની કામગીરી પૂર્ણ કરી દીધી છે. ઉત્તરવહી ચકાસણીની સાથે સાથે વિદ્યાર્થીઓના માર્કની ડેટાએન્ટ્રીની કામગીરીનો પણ ધમધમાટ ચાલી રહ્યો છે. સંભવત ચાલુ મહિનાના અંત સુધીમાં બોર્ડ પરિણામ જાહેર કરી દેશે તેવી સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. પેપર ચકાસણીની કામગીરી પૂરી થતાં હવે પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાશે.
લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ વહેલું જાહેર કરવામાં આવશે. શિક્ષકોને પરિણામની કામગીરીમાંથી મુક્ત થયા બાદ ચૂંટણીની કામગીરી સોંપવામાં આવશે. પરિણામ જાહેર થતાં 15 લાખ વિદ્યાર્થીની આતુરતાનો અંત આવશે. 11 માર્ચથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ હતી. આ પરીક્ષા માર્ચ મહિનાના અંત સુધીમાં ચાલી હતી. પરીક્ષાની સાથે જ શિક્ષકોના મધ્યસ્થ મૂલ્યાંકન માટેના ઓર્ડર આવ્યા હતા. શિક્ષકોએ પેપર ચકાસવાની કામગીરી પણ પરીક્ષા સાથે જ શરૂ કરી હતી. પરીક્ષા પૂર્ણ થતાં પરીક્ષા કામગીરીમાં રોકાયેલા શિક્ષકો પણ મૂલ્યાંકન કામગીરીમાં જોડાયા હતા. આજના દિવસમાં સમગ્ર રાજ્યભરમાં પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થશે.