ઈલોન મસ્કે મંગળવારે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર મોટો બદલાવ કર્યો છે. તેમણે ટ્વિટરનો લોગો બદલી નાખ્યો છે. ટ્વિટરે વાદળી રંગની ચકલીના લોગોને દુર કરીને ડોગનો લોગો લગાવ્યો છે.મસ્કે ટ્વીટમાં એક યુઝરને કહ્યું કે તેણે જે વચન આપ્યું હતું તે પૂરું કર્યું છે.
અમેરિકન અબજોપતિ મસ્કે ગયા ઓક્ટોબરમાં ટ્વિટર ખરીદ્યું હતું. આ પછી મસ્ક ઘણા મોટા નિર્ણયોને લઈને ચર્ચામાં રહ્યા હતા. જેમાં બ્લુ ટિકનો ચાર્જ, કર્મચારીઓની છટણી, સીઈઓ પરાગ અગ્રવાલને હટાવવાનો સમાવેશ થાય છે.
નિર્ણયથી આશ્ચર્યચકિત યુઝર્સ, ટ્રેન્ડ થવા લાગ્યો DOGE
ટ્વિટરનો લોગો બદલાતાની સાથે જ યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા અને આ બદલાવ અંગે એકબીજાને સવાલો કરવા લાગ્યા. એક યુઝરે પૂછ્યું કે શું દરેક વ્યક્તિ લોગો પર ડોગ જોઈ રહ્યો છે. થોડી જ વારમાં #DOGE એ ટ્વિટર પર ટ્વિટ કરવાનું શરૂ કર્યું. યુઝર્સને લાગ્યું કે કોઈએ ટ્વિટર હેક કર્યું છે. તેના થોડા સમય બાદ ઈલોન મસ્કે એક ટ્વીટ કર્યું, જેમાં સ્પષ્ટ થયું કે ટ્વિટરે તેનો લોગો બદલ્યો છે.