દેશની જાહેર ક્ષેત્રની કંપનીઓએ છેલ્લાં ત્રણ વર્ષથી સતત બેન્ચમાર્ક સેન્સેક્સ કરતાં આઉટપર્ફોર્મ કર્યું છે અને આ વર્ષે પણ આવું કરે તેવી શક્યતા છે. ખાનગી કંપનીઓની સરખામણીમાં સરકારી કંપનીઓ સતત પ્રીમિયમ પર ટ્રેડ કરી રહી છે. બીએસઇ પર લિસ્ટેડ દેશની ટોચની 5 સૌથી વધુ નફાકારક કંપનીઓમાં 3 સરકારી કંપનીઓ છે. ખાસ કરીને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની સરકારી કંપનીઓએ છેલ્લા 10 વર્ષમાં રેકોર્ડ નફો નોંધાવ્યો છે અને તેમના નફામાં સરેરાશ 206%નો વધારો થયો છે.નિફ્ટી પીએસયુ બેન્ક ઈન્ડેક્સે છેલ્લા 1 વર્ષમાં 85.62% નું આકર્ષક રિટર્ન આપ્યું છે, જ્યારે નિફ્ટી પ્રાઈવેટ બેન્ક ઈન્ડેક્સે આ સમયગાળા દરમિયાન માત્ર 8.83% રિટર્ન આપ્યું છે. આ સફળતા સરકારી કંપનીઓમાં વહીવટી ફેરફારોને આભારી છે. દરમિયાન ભારતમાં ખાનગી કંપનીઓ સંઘર્ષ કરી રહી છે.
2023-24માં ખાનગી ક્ષેત્રની નવી રોકાણ યોજનાઓમાં 15% થી વધુનો ઘટાડો નોંધાયો હતો.મેન્યુફેક્ચરિંગ સેક્ટરને સૌથી વધુ નુકસાન થયું છે. મૂલ્યના આધારે આ સેક્ટરમાં નવી રોકાણ દરખાસ્તોમાં 40%નો ઘટાડો થયો છે. 2022-23માં રૂ.20 લાખ કરોડના રોકાણની દરખાસ્તો હતી. જે 2023-24માં ઘટીને રૂ.12 લાખ કરોડ થઈ ગઈ હતી. લોકસભાની ચૂંટણી બાદ સ્થિર સરકાર રચાય અને ત્યારબાદ જૂલાઇમાં રજૂ થનારા પૂર્ણ બજેટમાં ક્યા સેક્ટરને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે તેના પર સેક્ટર સ્પેસિફિક એપ્રોચ જોવા મળશે.