ભારતીય ક્રિકેટ ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. 2 ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 12મી જુલાઈએ રમાશે. 27 જુલાઈએ 3 વનડે અને 3 ઓગસ્ટે 5 T-20 ઈન્ટરનેશનલ મેચની સિરીઝ રમાશે. ટીમ ઈન્ડિયાનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 13 ઓગસ્ટે 5મી T20 સાથે સમાપ્ત થશે.
20 જુલાઈથી બીજી ટેસ્ટ રમશે
ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર બાદ ટીમ ઇન્ડિયા એક મહિના સુધી ક્રિકેટ નહીં રમે. ટીમ જુલાઈના પ્રથમ સપ્તાહમાં વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના થશે. પ્રથમ ટેસ્ટ મેચ અહીં 12થી 16 જુલાઈ દરમિયાન ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં રમાશે.
બીજી ટેસ્ટ મેચ 20થી 24 જુલાઈ દરમિયાન રમાશે. બીજી ટેસ્ટ ત્રિનિદાદના ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર રમાશે. બંને મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
ટેસ્ટના 2 દિવસ બાદ વન-ડે સિરીઝ શરૂ થશે
ટેસ્ટના બે દિવસ બાદ 3 મેચની વન-ડે સિરીઝ પણ શરૂ થશે. 2 વન-ડે મેચ 27 અને 29 જુલાઈએ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર રમાશે. ત્યારબાદ 1 ઓગસ્ટે ત્રિનિદાદ અને ટોબેગોમાં ત્રીજી અને છેલ્લી વન-ડે રમાશે. વન-ડેની તમામ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે.
3જી ઓગસ્ટથી T20 સિરીઝ રમશે
ત્રિનિદાદમાં 3 ઓગસ્ટથી 5 મેચની T20 સિરીઝ પણ શરૂ થશે. બીજી અને ત્રીજી T-20 મેચ 6 અને 8 ઓગસ્ટે ગયાનામાં રમાશે. ત્યારબાદ 12 અને 13 ઓગસ્ટે અમેરિકાના ફ્લોરિડામાં ચોથી અને પાંચમી T20 મેચ રમાશે. T20 સિરીઝની તમામ મેચ રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે.