દેશના બે તૃતીયાંશ ટોચના એક્ઝિક્યુટિવ્સના મતે જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તેના ટકાઉપણા માટેના પ્રયાસોમાં મહત્વપૂર્ણ હશે જ્યારે 76% એક્ઝિક્યુટિવ્સ ટકાઉપણા માટે આ ઉભરતી ટેક્નોલોજીમાં રોકાણ વધારવાની યોજના ધરાવે છે તેવું IBM ઇન્સ્ટિટ્યૂટ ફોર બિઝનેસ વેલ્યૂ દ્વારા કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે.
અભ્યાસ અનુસાર જનરેટિવ એઆઇ ડેટા આધારિત ટકાઉપણા માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે, જે કંપનીઓને સુધારા માટેની તકો ઓળખવા માટે સક્ષમ બનાવે છે તેમજ ઝડપી ગતિએ ઇનોવેશનને વેગ આપવા માટે પણ સમર્થ બનાવે છે. IBM ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના એમડી સંદિપ પટેલે જણાવ્યું હતું કે મુખ્ય બિઝનેસ પ્રેક્ટિસમાં ટકાઉપણાને એકીકૃત કરવાથી લાંબા ગાળે મૂલ્યવૃદ્ધિ શક્ય બને છે. ટકાઉપણા માટે જેન એઆઇમાં રોકાણની પ્રતિબદ્ધતા વધુ હરિત ભવિષ્યના સંકેત આપે છે. યુએસ, યુકે અને જાપાન સહિતના 22 દેશો અને 22 ઇન્ડસ્ટ્રીના 5,000 એક્ઝિક્યુટિવ્સને આવરી લઇને કરાયેલા સરવે અનુસાર જો કંપનીઓ ટકાઉપણા માટેની રીત બદલે તો તેનાથી બિઝનેસના મૂલ્યમાં વૃદ્ધિ કરવામાં સફળતા મળી શકે છે. ભારતમાં 41% કંપનીઓ તેમના ટકાઉપણાના પ્રયાસો મારફતે આવકમાં સુધારો દર્શાવશે જ્યારે 90% કંપનીઓ નફાકારકતાની દૃષ્ટિએ તેમના હરીફોને પણ પાછળ છોડી દેશે.
અભ્યાસ અનુસાર અનેક કંપનીઓ ટકાઉપણાને એકાઉન્ટિંગ અથવા તો માત્ર એક પ્રવૃત્તિ તરીકે જ ગણે છે. તેઓ તેને એક ક્રાંતિકારી પગલા તરીકે જોતા નથી. ટકાઉપણા પર ઇનોવેશનને બદલે રિપોર્ટિંગ પર ખર્ચમાં 38%નો વધારો થયો.