રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 725 શિક્ષકની જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં ધો.1 થી 5માં 396 જ્યારે 6થી 8માં 329 શિક્ષકની જગ્યા ખાલી છે. જે જગ્યા ખાલી છે તેમાં હાલ પ્રવાસી શિક્ષકોથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે.પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે સરકાર અનેક યોજનાઓ અને કાર્યો કરી રહી છે, પરંતુ સ્થળ ઉપર વાસ્તવિકતા કંઇક અલગ જ છે. રાજ્યની અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાના સમાચાર અનેકવાર સામે આવે છે તો બીજી બાજુ શિક્ષકોની ઘટને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ અસર થઇ રહી છે.
કેટલીક શાળાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી તો ક્યાંક ઓરડાઓની ઘટ છે. તેવામાં સામે આવ્યું છે કે રાજકોટ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની 725 જગ્યા ખાલી છે. આ અંગે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ.પી.વાણવીએ જણાવ્યું હતું કે, તા.10/4/2023ની સ્થિતિએ વાત કરીએ તો જિલ્લામાં ધો.1થી 5માં 2649 શિક્ષક કાર્યરત છે જ્યારે 396 શિક્ષકની ઘટ છે, તો બીજી બાજુ ધો.6થી 8માં 1886 શિક્ષક ફરજ બજાવે છે અને 329 શિક્ષકની જગ્યા ખાલી છે.