સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024માં તેના હોમ ગ્રાઉન્ડ પર સતત બીજી મેચ જીતી છે. ટીમે સિઝનની 18મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને 6 વિકેટથી હરાવ્યું હતું.
શુક્રવારે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં હૈદરાબાદે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નઈએ 20 ઓવરમાં 5 વિકેટે 165 રન બનાવ્યા હતા. હૈદરાબાદે 166 રનનો ટાર્ગેટ 18.1 ઓવરમાં 4 વિકેટે ચેઝ કરી લીધો હતો.
ટીમના પૂર્વ કેપ્ટન એડન માર્કરમે 36 બોલમાં 50 રન બનાવ્યા હતા. ઈમ્પેક્ટ પ્લેયર ટ્રેવિસ હેડ 31 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેક શર્માએ 12 બોલમાં 37 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. ચેન્નઈ તરફથી મોઈન અલીએ 2 વિકેટ લીધી હતી.
CSK માટે શિવમ દુબેએ 24 બોલમાં 45 રનની ઇનિંગ રમી હતી જ્યારે અજિંક્ય રહાણેએ 35 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં રવીન્દ્ર જાડેજાએ અણનમ 31 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, પેટ કમિન્સ, શાહબાઝ અહેમદ અને જયદેવ ઉનડકટને એક-એક વિકેટ મળી હતી.