દેશની નિકાસ વર્ષ 2022-23 દરમિયાન પેટ્રોલિયમ, ફાર્મા, કેમિકલ્સ અને મરિન સેક્ટરની નિકાસ મજબૂત વૃદ્ધિને કારણે 6 ટકા વધીને રેકોર્ડ $447 અબજ નોંધાઇ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે દેશની આયાત પણ વર્ષ 2022-23 દરમિયાન 16.5 ટકા વધીને $714 અબજ નોંધાઇ છે જે વર્ષ 2021-22 દરમિયાન $613 અબજ રહી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વસ્તુ અને સેવા નિકાસ પણ વર્ષ 2022-23 દરમિયાન નવી ઊંચાઇએ પહોંચતા 14 ટકા વધીને $770 અબજ નોંધાઇ છે. જે વર્ષ 2021-22 દરમિયાન $676 અબજ નોંધાઇ હતી.
દેશની કુલ નિકાસ નવી ઊંચાઇએ જોવા મળતા ગત વર્ષ કરતાં 14 ટકાની વૃદ્ધિ સાથે $770 અબજ જોવા મળી છે. તદુપરાંત તેમાં વર્ષ 2020-21ના $500 અબજ અને વર્ષ 2021-22ના $676 અબજ કરતાં પણ તેમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અત્યારે ફ્રાન્સ અને ઇટાલીના ત્રણ દિવસીય પ્રવાસે છે જ્યાં તેઓ બંને દેશો સાથે વેપારને વધારવા તેમજ રોકાણ માટે સહયોગ સાધવા માટે બંને દેશોના લીડર્સ અને ટોચના CEO સાથે બેઠક કરશે.