મોરબી રોડ, ગણેશપાર્ક-1માં છેલ્લા દસ મહિનાથી પિયરમાં રહેતી જ્યોતિ નામની પરિણીતાએ અંકલેશ્વર રહેતા પતિ મનીષ, સસરા મુકેશભાઇ રામભાઇ હિરાનંદાણી, સાસુ રેશ્માબેન સામે ફરિયાદ નોંધાવી છે. બી.એ. સુધી અભ્યાસ કરનાર પરિણીતાની ફરિયાદ મુજબ, પ્રથમ લગ્નના વિચ્છેદ થયા બાદ તા.24-1-2022ના મનીષ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિ સાથે ગોવા ફરવા ગયા હતા. ત્યાં પતિ પોતાને પણ બળજબરીથી દારૂ પીવડાવતા અને ના પાડું તો તે દારૂ પીને માર મારતા હતા.
લગ્નના એક મહિના દાંપત્યજીવન સરખી રીતે ચાલ્યું હતું. બાદમાં પોતે સગર્ભા થતા સાસુએ આ બાળક અમારું નથી તેમ કહી મેણાં મારતા હતા. સગર્ભા સમયે પતિએ પોતાની સાથે કરેલી બળજબરીને કારણે ગર્ભપાત કરાવવાની ફરજ પડી હતી. ત્યાર બાદ પતિ પોતાને પિયર મૂકી ગયા હતા. પંદર દિવસ પિયરમાં આરામ કર્યા બાદ પતિ પરત સાસરે તેડી ગયા હતા. ગર્ભપાત સમયે બાળકનો ભાગ રહી ગયો હોવાથી પોતાને શારીરિક તકલીફ વધી ગઇ હતી. જેથી પતિ, સાસુ તારામાં જ કંઇક ખામી છે તેવું કહીને પરાણે દોરા-ધાગા કરાવવા લઇ જતા હતા. અને સંતાન માટે અલગ અલગ ડોક્ટરો પાસે લઇ જતા હતા.
આ સમયે સાસુ કહેતા કે સંતાનમાં દીકરો જ આવવો જોઇએ, દીકરી આવશે તો તને ઘરમાંથી કાઢી મુકવાના ટોણાં મારતા હતા. મનીષ સહિતના સાસરિયાંઓનો ત્રાસ અનહદ થઇ જતાં પોતે દસ મહિના પહેલાં પિયર આવી ગઇ હતી અને મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.