જામનગરના નાઘેડીમાં આવેલી કોલેજમાં બી.કોમ. સેમેસ્ટર-2ની પરીક્ષા દરમિયાન ત્રણ વિદ્યાર્થી અન્ય રૂમમાં જઈને કોપી કરતા હોવાની વિગતો બહાર આવ્યા બાદ કોલેજે ત્રણેય સામે કોપીકેસ કર્યો હતો. બીજીબાજુ સરકારે આ મુદ્દે તપાસના આદેશ કરી દીધા છે. ત્યારે બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતની ક્લિપ ફરતી થઈ છે. તેમાં આર્થિક લેવડ-દેવડ ન થતાં આ પરીક્ષા ચોરીનું કૌભાંડ બહાર આવ્યું હોય તેમ મનાય રહ્યું છે.
જોકે પરીક્ષામાં ચોરી કરવી તે ખોટું જ છે પણ, જે ઓડિયો ક્લિપ ફરતી થઈ છે તે મુદ્દે પોલીસ તપાસ કરવામાં આવે તો કેટલીક ચોંકાવનારી હકીકત બહાર આવી શકે તેમ છે. ફરતી થયેલી ઓડિયો ક્લિપ અંગે કોલેજના સંચાલક પીયૂષ લુણાગરિયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, હાલ સરકારના શિક્ષણ વિભાગના આદેશ મુજબ તપાસ ચાલી રહી છે. ત્યારે તે તપાસ પૂરી થયા બાદ લીગલ અભિપ્રાય મેળવ્યા બાદ ઓડિયો ક્લિપ સંદર્ભે પોલીસ ફરિયાદ કરવી કે કેમ? તે અંગે નિર્ણય કરવામાં આવશે.