રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઇ રહ્યું છે. ચોમાસામાં તૈયાર મળતા ભજિયાં, કચોરી, સમોસા, ગાંઠિયાની ડિમાન્ડ રહેતી હોય છે, તો ઘરે ઘરે પણ બનતા હોય છે. આ દરેક વસ્તુ બનાવવા માટે તેલનો વપરાશ થતો હોય છે. પરિણામે ખરીદીનું પ્રમાણ વધતું હોય છે. ખરીદી નીકળે તે પૂર્વે જ ચોમાસામાં ખાદ્યતેલના ભાવે ફરી એક વખત લોકોને દઝાડ્યા છે.
સોમવારે ઊઘડતી બજારે સિંગેતલ ડબ્બાના ભાવે રૂ. 2800 ની સપાટી કુદાવી હતી અને ભાવ રૂ.2820 નો થયો હતો. સિંગતેલની સાથે સાથે અન્ય સાઇડ તેલમાં પણ ભાવવધારો જોવા મળ્યો હતો. ખાદ્યતેલમાં 10 દિવસ પહેલા તેજી-મંદી બન્ને જોવા મળી રહી હતી, પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી ભાવ વધવાનું પાછું શરૂ થયું હતું. સોમવારે સિંગતેલ, કપાસિયા અને પામોલીનમાં રૂ. 20નો ભાવવધારો થયો હતો.