બ્રિટનમાં અનેક લોકો ગંભીર મેન્ટલ હેલ્થ સામે ઝઝૂમી રહ્યાં છે. અહીં દર પાંચમાંથી એક વ્યક્તિ તણાવ, અનિદ્રા સહિત અન્ય માનસિક બિમારીઓથી પીડિત છે. ત્યારે મેન્ટલ હેલ્થની સારવાર માટે ડોક્ટરો પાસે લગભગ 16 લાખ લોકોની વેઈટિંગ છે. ડોક્ટરો ઉપલબ્ધ ન હોવાના કારણે બ્રિટનમાં થેરાપિસ્ટોની માંગ એટલી વધી ગઈ છે કે, તેમને નિયંત્રિત કરવા અને હજુ સુધી કોઈ નિયમો નહીં હોવાના કારણે અનેક વિવાદ સર્જાયા છે.ડોક્ટર, આર્ટ થેરાપિસ્ટથી લઈને હીયરિંગ - એડના દવાખાનાઓ જેવા અન્ય વ્યવસાય માટે કડક નિયમો બનાવેલા છે, પણ થેરાપિસ્ટ તેમાંથી બાકાત છે.
કોઈ પણ થેરાપિસ્ટ રજીસ્ટ્રેશન વગર કોઈપણ વ્યક્તિનું કોઉન્સલિંગ કરી શકે છે અને તેનું પરિણામ દર્દીઓએ ભોગવવું પડે છે. બ્રિટનમાં ખાનગી થેરાપિસ્ટની માંગ એટલી વધી ગઈ છે કે, સ્કૂલ અને કોલેજોમાં પણ એક થેરાપિસ્ટની નિયુક્તિ થઈ રહી છે. એટલે જ સરકારથી તેમના નિયંત્રણની માંગ પણ વધી રહી છે.