RBIના ડેપ્યુટી ગવર્નર માઇકલ દેબાબ્રાતાના સહ લેખક તરીકેના લેખમાં દેશના સામાન્ય સરકારી દેવા અંગે IMFની દલીલને ફગાવી દીધી છે અને તેમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે ડેટ ટૂ જીડીપી રેશિયો અંદાજ કરતાં ઓછો રહી શકે છે.
RBIના લેખ “ધ શેપ ઑફ ગ્રોથ કમ્પેટિબલ ફિસ્કલ કોન્સોલિડેશન’ અનુસાર રાજકોષીય એકત્રીકરણ અને વૃદ્ધિ વચ્ચેની મધ્યમ ગાળાની પૂરકતા ટૂંકા ગાળાના ખર્ચ કરતાં વધી જાય છે. તદુપરાંત સામાજિક અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઇમેટ ચેન્જ, આધુનિકીકરણ તેમજ કામદાર વર્ગને વધુ આવડત પ્રદાન કરવા પર વધુ ખર્ચથી પણ લાંબા ગાળે ગ્રોથને વેગ મળશે.
પાત્રાના નેતૃત્વ હેઠળની ટીમે આર્ટિકલમાં લખ્યું છે કે સરકાર દ્વારા ખર્ચમાં વૃદ્ધિને કારણે સરકારનો ડેટ ટૂ જીડીપી રેશિયો વર્ષ 2030-31 સુધીમાં ઘટીને 73.4% થઇ શકે છે, જે IMFના 78.2%ના અંદાજ કરતાં 5% ઓછો છે.
આ તે રીતે પણ નોંધપાત્ર છે કારણ કે વિકસિત અર્થતંત્રમાં ડેટ ટૂ જીડીપી રેશિયો વર્ષ 2023ના 112.1%થી વધીને વર્ષ 2028 સુધીમાં 116.3% થઇ શકે છે અને ઉભરતા અને મધ્યમ આવક ધરાવતા દેશો માટે તે 68.3%થી વધીને 78.1% પર પહોંચી શકે છે.