Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેરમાં મામા સાથે રહેતી 19 વર્ષની યુવતી પર મામાના વતનના શખ્સે છરી બતાવી દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો બનાવી તેના આધારે બ્લેકમેઇલ કરી અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ યુવતીના નાના અને પિતા પાસેથી રૂ.1.20 લાખ માગ્યા હતા અને પૈસા નહીં મળતાં વીડિયો ફરતો કરી દીધો હતો.


શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 19 વર્ષની યુવતીએ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે લક્ષ્મીના ઢોરા પાસે રહેતા સુરેશ વિનુ સોલંકીનું નામ આપ્યું હતું. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તેના મામા સાથે રહે છે, એક દિવસ રાત્રિના મકાનની ઓસરીમાં ખાટલામાં સૂતી હતી ત્યારે મામાના વતન પંથકનો અને લક્ષ્મીના ઢોરા પાસે રહેતો સુરેશ સોલંકી ઘરમાં ઘૂસી આવ્યો હતો અને છરી બતાવી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ બાથરૂમમાં લઇ જઇ બીભત્સ હરકતનો વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ સુરેશ આ વીડિયો ફરતો કરી દેશે તેમ કહી યુવતી પર વારંવાર દુષ્કર્મ આચરતો હતો.

યુવતી બાંધકામની સાઇટ પર કામે જતી હતી ત્યાં છઠ્ઠા માળે શરીરસંબંધ બાંધ્યા હતા. યુવતીને પોતાના ઘરે બોલાવી શારીરિક શોષણ કરતો હતો. સુરેશના અત્યાચારથી કંટાળી યુવતીએ તેના મામાને વાત કરતાં યુવતીને તેના ગામ મોકલી દેવામાં આવી હતી. ત્યારબાદ આ સુરેશે યુવતીના નાના અને તેના પિતાને ફોન કરી પોતાની પાસે વીડિયો હોવાનું કહી રૂ.1.20 લાખની માંગ કરી હતી અને પૈસા નહીં આપો તો જાનથી મારી નાખીશ અને તમારી ભાણેજનો વીડિયો ફરતો કરી દઇશ તેવી ધમકી આપી હતી. યુવતીના પરિવારજનોએ પૈસા નહીં આપતાં સુરેશ સોલંકી રઘવાયો બન્યો હતો અને તેણે યુવતીનો બીભત્સ વીડિયો ફરતો કરી દીધો હતો અને આ વીડિયો યુવતીના કૌટુંબિક ભાઇઓના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જોવા મળ્યો હતો. આ મામલે અંતે યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સુરેશ સોલંકી સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.