નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની તબિયત બુધવારે વધુ ખરાબ થઈ હતી. આ પછી તેમને કાઠમંડુથી એરલિફ્ટ કરી નવી દિલ્હી લવાયા હતા. પૌડેલને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક મહિનામાં બીજી વખત નેપાળના રાષ્ટ્રપતિ ગંભીર રીતે બીમાર થયા છે.
પૌડેલ ગત મહિને જ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમની ચૂંટણી પણ ખૂબ જ વિવાદાસ્પદ રહી હતી. આ માટે વડાપ્રધાન પ્રચંડે તેમનો મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસ પણ મોકૂફ રાખ્યો હતો. તેનું કારણ એ હતું કે પૌડેલની જીત પ્રચંડ માટે પણ રાજકીય પડકાર હતો.
ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા
પૌડેલના પ્રેસ સલાહકાર કિરણ પોખરેલે 'ધ કાઠમંડુ પોસ્ટ'ને જણાવ્યું - રાષ્ટ્રપતિની તબિયત મંગળવાર રાતથી બગડવા લાગી. આ પછી અમે તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લઈ જવાનું નક્કી કર્યું. પૌડેલને બુધવારે સવારે ચાર્ટર્ડ ફ્લાઈટમાં દિલ્હી મોકલવામાં આવ્યા હતા. તેમની સાથે મેડિકલ ટીમ પણ દિલ્હી ગઈ છે.
મંગળવારે પૌડેલે છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી. આ પછી કાઠમંડુના તબીબી નિષ્ણાતોએ તેની તપાસ કરી. કેટલીક દવાઓ પણ આપવામાં આવી હતી, પરંતુ જ્યારે સ્થિતિમાં સુધારો ન થયો ત્યારે દિલ્હી એઈમ્સનો સંપર્ક કરવામાં આવ્યો. આ પછી તેમને દિલ્હી મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો.