રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર વિસ્તારમાં 25 વારિયા ક્વાર્ટર નજીક છરીના 12 ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારનાર આરોપી ધર્મેશ ઉર્ફે ધમો રમેશભાઇ ગાયજનને પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ ચોરીની ઘટનામાં થયેલ ઝઘડાનો ખાર રાખી આરોપીએ હત્યા નિપજાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી વિરુદ્ધ દારૂના અનેક ગુના નોંધાયેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
રાજકોટ જામનગર રોડ પર ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટરમાં વિજય સોલંકીની છરીના 12 જેટલા ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું સામે આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગુનો નોંધી ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સીસ મદદથી ગણતરીની કલાકોમાં આરોપી ધર્મેશ ઉર્ફે ધમો રમેશભાઇ ગાયજનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેની પુછપરછમાં આરોપીએ કબૂલાત આપી હતી કે મૃતક વિજય સોલંકીના કાકા દ્વારા પાંચથી છ મહિના પૂર્વે ધર્મેશના ઘરમાંથી દાગીના સહિત અંદાજિત 1.80 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. જે ગુનામાં વિજય સોલંકીના કાકાની ધરપકડ ગાંધીગ્રામ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ ધર્મેશને શંકા હતી કે, ચોરીના ગુનામાં વિજય પણ સામેલ છે.