અમેરિકામાં રહેતી એક રશિયન મૂળની મહિલાએ તેના હમશકલની જ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે તેને અમેરિકન કોર્ટે 21 વર્ષની સજા ફટકારી છે. બીબીસીના અહેવાલ મુજબ, 47 વર્ષીય વિક્ટોરિયા નાસિરોવાએ ન્યૂયોર્કમાં રહેતી તેના જ જેવો દેખાવ ધરાવતી ઓલ્ગા સ્વિકની ચીઝ કેકમાં ઝેર આપ્યું હતું.
ક્વીન્સ ડિસ્ટ્રિક્ટ એટર્ની મેલિન્ડા કાત્ઝે કહ્યું- વિક્ટોરિયા અને ઓલ્ગા બંને રશિયન મૂળના છે. બંનેની ત્વચાનો રંગ, વાળનો રંગ, ઊંચાઈ સરખી છે. વિક્ટોરિયા તેના પોતાના ફાયદા માટે ઓલ્ગાની ઓળખ ચોરી કરવાની કોશિશ કરી અને તેને ઝેર આપ્યું.
આ સમગ્ર મામલો 2016નો છે. ત્યારે ઓલ્ગા વિક્ટોરિયાની બ્યુટિશિયન હતી. બંને ખૂબ સારા મિત્રો હતા અને ઘણી વાર રશિયનમાં વાત કરતા હતા. 28 ઑગસ્ટ 2016ના રોજ, વિક્ટોરિયાએ ઓલ્ગાને ચીઝકેકમાં ઝેર આપ્યું. તે ખાધા પછી તે બેભાન થઈ ગઈ. રિપોર્ટ્સ અનુસાર, તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેને હાર્ટ એટેક આવી શકતો હતો. આ પછી વિક્ટોરિયાએ ઓલ્ગાનો પાસપોર્ટ, વર્ક પરમિટ અને અન્ય મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો ચોરી લીધા અને ભાગી ગઇ.