સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શુક્રવારે 50મા યુવક મહોત્સવનો રાજ્યના શિક્ષણમંત્રીના હસ્તે રંગારંગ પ્રારંભ થયો હતો. ‘અમૃત કલા મહોત્સવ’ ખુલ્લો મુકતા શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીઓ માટે જાહેરાત કરતા કહ્યું હતું કે યુનિવર્સિટીના જેટલા વિદ્યાર્થીઓએ યુવક મહોત્સવમાં ભાગ લીધો છે તે તમામ વિદ્યાર્થીઓને પરિવાર સાથે એક વર્ષ સુધી અમદાવાદમાં આવેલા સૌથી મોટા સાયન્સ સિટીમાં એન્ટ્રી ફ્રી આપવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે, રાજ્યભરની યુનિવર્સિટીના ભવનોએ માત્ર મકાનો નથી પરંતુ યુવાનોના સપનાઓના આશ્રયસ્થાન છે.
રાજ્યભરમાં માત્ર 15 હજાર પ્રાઇવેટ સ્કૂલ છે. જ્યારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ 40 હજાર છે. જેમાંથી તૈયાર થયેલા વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વવિદ્યાલયો ધમધમે છે. જામનગરની ડી.કે.વી. કોલેજને NAAC દ્વારા A ગ્રેડ મળતા કોલેજના આચાર્યનું શિક્ષણમંત્રીએ સન્માન કર્યું હતું. આ અમૃત કલા મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 62 કોલેજોના આશરે 1350 સ્પર્ધકો જુદી-જુદી 36 ઈવેન્ટસમાં ભાગ લેશે. હરિવંદના કોલેજ, સર્વોદય કોલેજના છાત્રોએ આ પ્રસંગે પ્રાચીન રાસ રજૂ કર્યો હતો. યુનિવર્સિટીમાં શુક્રવારે યુવક મહોત્સવનો ઉદ્ઘાટન સમય બપોરે 3.30 કલાકનો રખાયો હતો પરંતુ મહાનુભાવોને આવવામાં વિલંબ થતા સાંજે 5.30 કલાકે શરૂ થનારી સ્પર્ધાઓ તેના નિર્ધારિત સમય કરતા મોડી શરૂ થઇ હતી.