જસદણના વીંછિયા અને સાણથલીમાં તસ્કરો બેફામ બન્યા છે અને એક પછી એક ચોરીને અંજામ આપી પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યા છે કે રોક શકો તો રોક લો. પોલીસ તંત્રની ઢીલી નીતિના લીધે ચોરોની કારી ફાવી જાય છે. વીંછિયામાં તો પોલીસ સ્ટેશન નજીકની જ ત્રણ દુકાન તસ્કરોએ નિશાન બનાવી હતી તો સાણથલીમાં પણ ત્રણ દુકાનોમાં ચોરોએ હાથફેરો કર્યો હતો. પોલીસને આ બનાવની જાણ કરી છે. અગાઉની રૂ.7.50 લાખની ચોરીનો ભેદ હજુ ખુલ્યો નથી ત્યાં આંબલી ચોક વિસ્તારમાં આવેલી પોલીસ ચોકીની બાજુમાં જ નવકાર શોપિંગ સેન્ટરમાં ગત મોડી રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા.
આ ચોરીના બનાવમાં તસ્કરોએ ત્રણ દુકાનના તાળા તોડી દુકાનમાંથી રૂ.1500 રોકડા તેમજ અન્ય માલ-સામાનની ચોરી કરીને નાસી ગયા હતા.જ્યારે વિંછીયા પંથકમાં ત્રીજીવાર આ ચોરીનો બનાવ બન્યો હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા આજદિન સુધીમાં કોઈ તપાસ કરવામાં આવી નથી. જેથી આ ચોરીના બનાવને અંજામ આપનારા અજાણ્યા ચોરોને પકડી પાડી કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.