લગભગ 40 ઑનલાઇન ગેમિંગ કંપનીઓને 21 હજાર કરોડ રૂપિયાની ટેક્સ ચોરી માટે જીએસટી વિભાગ તરફથી ટૂંક સમયમાં કારણદર્શક નોટિસ મળી શકે છે. અધિકારીઓ અનુસાર, ગેમ્સક્રાફ્ટ ટેક્નોલૉજી (જીટીપીએલ) વિરુદ્ધ જારી જીએસટી નોટિસ રદ્દ કરવાના કર્ણાટક હાઇકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે 6 સપ્ટેમ્બરે રોક લગાવી હતી. ત્યારબાદ 40 ઑનલાઇન ગેમિંગ કંપનીઓને નોટિસ ફટકારાય તેવી શક્યતા છે. કર્ણાટક હાઇકોર્ટે જીએસટી નોટિસ રદ્દ કરવાનો ચુકાદો 11 મે, 2023ના રોજ આપ્યો હતો. તેની વિરુદ્ધ ડાયરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સ ઑફ જીએસટીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સૂત્રોનુસાર આગામી દિવસો દરમિયાન મોટી સંખ્યામાં કારણદર્શક નોટિસ જારી થઇ શકે છે. જીએસટી ઓથોરિટી અન્ય ઑનલાઇન ગેમિંગ કંપનીઓને નોટિસ મોકલવાની પ્રક્રિયામાં હતું ત્યારે જ હાઇકોર્ટનો ચુકાદો આવ્યો હતો. કારણ કે જીટીપીએલ અને અન્ય ગેમિંગ કંપનીઓની ગતિવિધિઓ સમાન હોવાથી, હાઇકોર્ટના આદેશ બાદ નોટિસ જારી કરવાનો સિલસિલો રોકવામાં આવ્યો હતો. પરંતુ હવે અન્ય સંબંધિત કંપનીઓને એ જ રીતે કારણદર્શક નોટિસ ફટકારાશે. સુપ્રીમ કોર્ટે તેની મંજૂરી આપી દીધી છે.