સ્થાનિક ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી 4 વર્ષમાં 58,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ મૂડીથી ઇલેક્ટ્રિક મોટર અને ઑટોમેટિક ટ્રાન્સમિશન સિસ્ટમ જેવા એડવાન્સ સ્પેરપાર્ટ્સનું સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવામાં આવશે. તેની મારફતે આયાત પર નિર્ભરતા ઘટાડીને મલ્ટિનેશનલ કંપનીઓની “ચાઇના પ્લસ વન” સોર્સિંગ રણનીતિનો લાભ ઉઠાવવામાં આવશે. ઑટોમોટિવ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના એક રિપોર્ટ અનુસાર, એડવાન્સ ટેક્નોલોજીના વિકાસ અને મેન્યુફેક્ચરિંગ માટે નવું રોકાણ માર્ચ 2028 સુધી કરવામાં આવશે.
સ્થાનિક ઓટોમોબાઇલ કંપની પહેલાથી જ 11 પ્રમુખ કોમ્પોનન્ટ કેટેગરીમાં 500થી વધુ સ્થાનિક પ્રોજેક્ટ્સ શરૂ કરી ચૂકી છે. તેમાં ઑટોમેટિક ટ્રાન્સમિશન, પાવર કંટ્રોલ યુનિટ, હાઇ સ્ટ્રેન્થ સ્ટીલ અને કમ્બાઇન્ડ ચાર્જિંગ સિસ્ટમ સામેલ છે. છેલ્લા બે વર્ષમાં તેની આયાત અંદાજે 6% ઘટી છે, જે ઉદ્યોગના લક્ષ્યાંકના 3%થી બમણી છે.
મુખ્ય નિકાસ કેન્દ્ર બનવાનું લક્ષ્ય
ઑટોમોબાઇલ ઉદ્યોગે વાહનોના સ્પેરપાર્ટ્સની આયાત ઘટાડવાની સાથે જ ભારતને તેનું મુખ્ય નિકાસ કેન્દ્ર બનાવવાની પણ નેમ લીધી છે. 2028 સુધી સ્થાનિક ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી ઇવી સહિત નવા દોરની ટેક્નોલોજીના વિકાસ અને મેન્યુફેક્ચરિંગમાં 54-58 હજાર કરોડનું રોકાણ કરશે.
ફેબ્રુઆરીમાં રેકોર્ડ 3.73 લાખ કારનું વેચાણ
ગત મહિને સ્થાનિક ડીલરોને રેકોર્ડ 3,73,177 કાર ડિસ્પેચ કરવામાં આવી હતી. તે ફેબ્રુઆરી 2023ની તુલનાએ 11.3% વધુ છે અને કોઇપણ વર્ષે ફેબ્રુઆરીમાં કારનું સૌથી વધુ જથ્થાબંધ વેચાણ છે.