દિલીપ રાવલ સુરત જિલ્લાના ઉમરપાડા રેન્જના જંગલમાં આરએફઓ અનિલ પટેલ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે જંગલમાં અંદાજિત 15 દિવસના 3 દીપડાનાં બચ્ચાં એક ગુફામાં બેઠા દેખાયાં હતાં. તસવીરમાં બચ્ચાની ઝલક જોતા માસૂમિયત અને જાણે માતાની વાટ જોતા હોય એવું લાગી રહ્યું છે. બીજા દિવસે દીપડી બચ્ચાંને અન્યત્ર લઈ ગઈ હતી.
હાલમાં સાવજોનો મેટિંગ પિરિયડ ચાલી રહ્યો
ચોમાસાના આરંભ સાથે જ સાવજોનો મેટિંગ પિરિયડ શરૂ થયો છે. આવનારા ચાર માસ બાદ ગીર જંગલ અને ગીર કાંઠો નવા સાવજ બચ્ચાંની કિકિયારીથી ગુંજી ઉઠશે. ઓણ સાલ સાવજોના 150થી વધુ બચ્ચાં જન્મે તેવી ધારણા સેવાઈ રહી છે. જો કે તેમાંથી માત્ર 40 પુખ્ત ઉંમર સુધી પહોંચશે. બીજી તરફ રાજ્યમાં હાલ 775 સાવજ હોવાનો અંદાજ છે. જે પૈકી બચ્ચાંની સંખ્યા 200થી વધુ રહેશે. ગીરની મહારાણી સિંહણ સામાન્ય રીતે બે થી ત્રણ બચ્ચાંને જન્મ આપે છે. ક્યારેક ચાર અને ક્યારેક પાંચ બચ્ચાંને પણ જન્મ આપે છે. હાલમાં સાવજોનો મેટિંગ પિરિયડ ચાલી રહ્યો છે.
એક વખત આ બચ્ચા પુખ્ત થયા બાદ તો જંગલમાં રાજ કરશે
એવું મનાય છે કે દિવાળી અને તેના પછીના સમયગાળામાં 150 જેટલા નવા બચ્ચાનો જન્મ થશે. જો કે આ પૈકી માત્ર 40 જેટલા બચ્ચા ઉછરીને મોટા થશે. અને પુખ્ત ઉંમર સુધી પહોંચશે. એક વખત આ બચ્ચા પુખ્ત થયા બાદ તો જંગલમાં રાજ કરશે. બીજી તરફ જંગલ તથા આસપાસના કાંઠાળ વિસ્તારમાં સાવજોની સંખ્યા 775 જેટલી હોવાનું મનાય છે.