રાજકોટ યાર્ડમાં સ્થાનિક શાકભાજીની આવક શરૂ થતા ગત સપ્તાહ સુધી જે શાકભાજી મોંઘું હતું. તેના ભાવમાં અચાનક રૂ. 30થી 40 સુધીનો ઘટાડો આવ્યો છે. પહેલા અન્ય શહેર-રાજ્યમાંથી શાકભાજી મગાવવું પડતું હતું. તેના બદલે હવે તમામ આવક સ્થાનિકની જ આવવા લાગી છે. ગત સપ્તાહે જે લીંબુનો ભાવ રૂ.100થી 120 સુધી હતો. તેનો આ સપ્તાહમાં ભાવ રૂ.70નો થયો છે. સૌથી વધુ ભાવઘટાડો ગુવારમાં નોંધાયો છે. શાકભાજીના ભાવમાં કેટલા ઘટેલા રહે છે તેનો આધાર કેરીની આવક પર રહે છે. જો કેરીની આવક વધારે થશે તો ભાવમાં ઘટાડો થશે અને જો કેરીની આવક ઓછી હશે તો શાકભાજીની ડિમાન્ડમાં વધારો થશે અને ભાવમાં વધારો થશે.
તેમ ઈન્સ્પેક્ટર કાનાભાઇ ચાવડા જણાવે છે.હાલમાં એક બાજુ આવક વધારે છે. સામે ડિમાન્ડ નહિ હોવાને કારણે તેનો રોજ કરતા નિકાલ ઓછો થઈ રહ્યો છે. યાર્ડમાં શાકભાજીના ભાવ ઘટવાને કારણે કેટલાક લોકો શાકભાજીની ખરીદી માટે સીધા યાર્ડે જ પહોંચી રહ્યા છે. એકીસાથે મોટા પ્રમાણમાં ખરીદી કરી લે છે. લગ્ન સિઝન શરૂ થયા બાદ શાકભાજીની ડિમાન્ડમાં વધારો થશે.