દેશમાં નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ભારતીયોની ઘરેલુ બચતમાં વધારો થવાની શક્યતા છે. ક્રિસિલ માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિટિક્સના રિપોર્ટ અનુસાર સૂચકાંકો નાણાકીય વર્ષ 2024માં ઘરગથ્થુ બચતમાં વધારો થવાનું સુચવે છે. જ્યારે ઘરની જવાબદારીઓમાં વૃદ્ધિ સાધારણ રહેવાની ધારણા છે.
નાણાકીય વર્ષ 2024માં વધેલા યોગદાન સાથે એકંદરે બચતના દરોમાં પણ ઉછાળો જોવા મળી શકે છે. અર્થતંત્રની કુલ બચતમાં ઘરેલુ બચતનું યોગદાન અંદાજે 60%ની આસપાસ છે. ગત વર્ષે જાહેર થયેલા સત્તાવાર ડેટા અનુસાર દેશની ઘરેલુ નાણાકીય બચત ઘટીને 47 વર્ષના તળિયે 5.3% નોંધાઇ હતી જે નાણાકીય વર્ષ 2022 દરમિયાન 7.3% રહી હતી.
ક્રિસિલના રિપોર્ટ અનુસાર કોવિડ મહામારીના સમયગાળાથી બચતને વધારે પ્રાધાન્ય અપાતું હોવાથી ભારતીયો વધુને વધુ ધિરાણ લઇ રહ્યાં છે. જેને કારણે પણ એક રીતે બચતમાં ઉતરોઉતર વધારો જોવા મળી રહ્યો છે. બેન્કો દ્વારા છૂટક ધિરાણ માટેના પગલાં તેમજ વધુને વધુ લોન લેવાના વલણને કારણે દેવું પણ વધી રહ્યું છે. તે ઉપરાંત કોવિડ બાદ ફિઝિકલ એસેટ્સમાં પણ વધારો થઇ રહ્યો છે. બેન્કનો ડિપોઝિટ ગ્રોથ ગત વર્ષના 9.6%થી વધીને 13.5% રહ્યો છે.