પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે રાજસ્થાન સરકારની ‘રાજીવ ગાંધી સ્કૉલરશિપ ફૉર એકેડેમિક એક્સલેન્સ’ યોજનામાં હવે સરકારી અધિકારીઓનાં 30% સંતાનો અભ્યાસ કરી રહ્યાં છે. હકીકતમાં સરકારે આ વર્ષે આવકનો દાયરો 8 લાખ રૂપિયાથી વધારીને 25 લાખથી વધુ કર્યો છે. ત્યારબાદ કુલ 245 વિદ્યાર્થીની પસંદગી થઇ હતી, જેમાંથી 14 આઇએએસ, આઇપીએસ સહિત 73 અધિકારીઓનાં સંતાનો છે.
સરકારે રાજસ્થાનના વિદ્યાર્થીઓને ઑક્સફોર્ડ, કેમ્બ્રિજ, હાર્વર્ડ જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવવા માટે બે વર્ષ પહેલાં આ યોજના શરૂ કરી હતી. પહેલાં એવા જ વિદ્યાર્થીઓ અરજી કરી શકતા હતા જેમને વિદેશી કોલેજમાં પ્રવેશ મળ્યો હોય અને પરિવારની આવક વાર્ષિક રૂ.8 લાખથી ઓછી હોય.
ઉચ્ચ શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના પીએ વિશાલ રાણાવતની પુત્રની પણ પસંદગી થઇ છે. તદુપરાંત આરયુએચએસના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અજિતસિંહ શક્તાવત સહિત અન્ય અધિકારીઓનાં સંતાનો સામેલ છે. બીજી તરફ ભાજપે આ યોજનાનો લાભ જરૂરિયાતમંદોને બદલે અધિકારીઓના બાળકોને આપવા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવ્યો છે.