પાકિસ્તાનમાં ગુરુવારે વહેલી સવારે કરાચી એક્સપ્રેસના એક ડબ્બામાં આગ ફાટી નીકળી . જેમાં 4 બાળકો સહિત 7 લોકો સળગી જતા મોત નીપજ્યાં છે. જ્યારે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જેમાંથી કેટલાકની હાલત ખુબજ ગંભીર છે. મૃત્યુઆંક વધી શકે છે. પાકિસ્તાન રેલવેના એક અધિકારીએ કહ્યું- હાલ 7 લોકોનાં મોત થયા છે. ઘાયલોને તમામ શક્ય સારવાર અને મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
પાકિસ્તાનની વેબસાઈટ 'ધ ડોન' અનુસાર, ટ્રેનમાં આગ લાગવાની ઘટના સિંધ પ્રાંતના ખૈરપુર જિલ્લાના તાંડો ખાન વિસ્તારમાં બની હતી. તે સમયે મોટાભાગના મુસાફરો સૂતા હતા. પાકિસ્તાન રેલવે અધિકારી મોહસીન સિયાલે આ વાતની પુષ્ટિ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર 6 મૃતદેહો એવા છે જેની ઓળખ કરવી મુશ્કેલ છે. પહેલા તેમનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. આ પછી તેમને પરિવારને સોંપવામાં આવશે. ઘાયલોને ખૈરપુરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.