ગુજરાતમાં કેટલાક દિવસથી પણ ભરઉનાળે વરસાદી માહોલ જામી રહ્યો છે. શુક્રવારે પણ ઉત્તર ગુજરાત, ભુજ અને રાજકોટના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ક્યાંક કરા સાથે માવઠું પણ પડ્યું. કમોસમી વરસાદને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો બહુચરાજી અને પાલનપુરમાં વીજળી પડવાને કારણે બેનાં મોત થયા અને એકની સ્થિતિ ગંભીર છે. માવઠાને કારણે ઉત્તર ગુજરાતમાં જુવાર અને બાજરીના પાકને નુકસાન થયું હતું તો માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રખાયેલો પાક પલળ્યો હતો.
માવઠાના કારણે પાકને નુકસાન
ઉત્તર ગુજરાતના 13 તાલુકામાં 24 કલાકમાં નોંધણીલાયક વરસાદ પડ્યો. સૌથી વધુ જોટાણામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો.બહુચરાજી પંથકમાં અડધો કલાક માવઠું પડ્યુ હતું. શંખલપુર, કાલરી, એંદલા સહિતના ગામોમાં ઉનાળુ જુવાર તેમજ બાજરીનો ઊભો પાક આડો પડી ગયો.