વડોદરા નજીક ડભોઈ પાસેના કુંઢેલામાં 100 એકરમાં રાજ્યની પ્રથમ સેન્ટ્રલ યુનિવર્સિટી તૈયાર થશે. જેમાં વિદ્યાર્થીઓને સ્કૂલ ઓફ નેશનલ સિક્યુરિટી, કેન્સર બાયોલોજી, ગ્રીન કેમિસ્ટ્રી, નેનો બેક્ટેરિયલ્સ, પ્રોટીન ડીએનએ ઇન્ટરેક્શન જેવા અભ્યાસક્રમોનું શિક્ષણ લેવાની તક મળશે. સેન્ટ્રલ યુનિવર્સિટીની 15 કોલેજો સ્કૂલના નામે ઓળખાશે.
33,760 સ્ક્વેર મીટરમાં વિશાળ કેમ્પસ તૈયાર થશે
રાજ્યમાં પ્રથમવાર આ પ્રકારના અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ભણવા મળશે. રૂા.743 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ 33,760 સ્ક્વેર મીટરમાં વિશાળ કેમ્પસ તૈયાર થશે. ભારતની સંસદ દ્વારા 2009માં ગુજરાત ખાતે ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના કરાઇ હતી, જે હાલ ગાંધીનગરમાં કાર્યરત છે.
ભારત સરકાર દ્વારા રૂા.743 કરોડની ફાળવણી કરવામાં આવી
આ યુનિવર્સિટીમાં 14 સ્કૂલ્સ અને એક સ્વતંત્ર સેન્ટર ફોર ડાયસ્પોરા સ્ટડીઝ છે. ઉપરાંત એમએ ઈન હિન્દુ સ્ટડીઝનો અભ્યાસક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. આ વિશ્વવિદ્યાલયના સ્થાયી પરિસરના નિર્માણ માટે ભારત સરકાર દ્વારા રૂા.743 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત યુનિવર્સિટીના સ્થાયી કેમ્પસના નિર્માણ માટે ડભોઈ તાલુકાના કુંઢેલા ગામે 100 એકર જમીન ફાળવાઇ છે.