સોશિયલ મીડિયામાં ફેમસ થવા અને વધુ લાઇક્સ મેળવવાના ચક્કરમાં યુવાનો કાયદો હાથમાં લઇ બેસે છે અને બીજાની જિંદગી જોખમમાં મૂકી દેતા હોય છે. રાજકોટ જિલ્લામાં પણ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો જેમાં બે યુવાનો ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવતા હતા અને સ્ટંટ કરી પોતાની સાથે અન્યની જિંદગી પણ જોખમમાં મુકતા નજરે પડી રહ્યા છે જે વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી.
ગોંડલના બે યુવાનોને ઝડપી પાડી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફક્ત એટલું જ નહિ પોલીસે કાર્યવાહી કરતા બંને યુવાનોએ હાથ જોડી માફી માંગતો વીડિયો બનાવી લોકોને પણ આ રીતે સ્ટંટ ન કરવા અપીલ કરી હતી.
રાજકોટમાં સોશિયલ મીડિયામાં અલગ-અલગ ત્રણ વીડિયો વાયરલ થવા પામ્યા હતા. જેમાં હાઇ-વે રોડ પર યુવાનો બાઈક પર સૂતા-સૂતા પૂરપાટ ઝડપે સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. આ વાયરલ વીડિયો અંગે તપાસ કરતા વીડિયો રાજકોટ જિલ્લાના ધોરાજી-પોરબંદર હાઇ-વે પરનો હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પછી ધોરાજી પોલીસમાં સર્વેલન્સ ટીમમાં ફરજ બજાવતા સાત તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન બંને યુવાનો ગોંડલ તાલુકાના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. જેથી, તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જયારે આ તપાસ દરમિયાન વીડિયો એક માસ પૂર્વે 28 સપ્ટેમ્બરના રોજનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.